રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લાશાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધશાળા ભાવનગર દ્વારા તારીખ 26/06/2018 ને બુધવારના રોજ સાંજે 4.00 કલાકે શાળાના પ્રાર્થના હોલમાં ‘જીવન એક યાત્રા- વિશિષ્ટ વાર્તાલાપ’ નું આયોજન કરી હેલન-કેલરની 138 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં વક્તા તરીકે સંચાલકશ્રી લાભુભાઈ સોનાણીએ સેવા આપી હતી. તેઓએ તેમના વક્તવ્યની શરૂઆતમાં મલ્ટીપલ વિકલાંગતા ધરાવતી હેલન કેલરના જીવનને યાદને યાદ કર્યું હતું.
‘જીવન એક યાત્રા-વિશિષ્ટ વાર્તાલાપ અંતર્ગત શ્રી લાભુભાઈએ પોતાના વક્તવ્યમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આર્યોના સોળ સંસ્કારની માહિતી આપી પરંપરાગત સંસ્કૃતિને જીવંત બનાવવા ભાર આપ્યો હતો. ત્યારબાદ તેઓએ માનવીનું જીવન કેવું હોવું જોઈએ તેની માહિતી મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા, જેવા વિશિષ્ટ અને મહાન માનવીઓના જીવનનું ઉદાહરણ પ્રસ્તુત કરી સમજાવ્યું હતું. આ ઉપરાંત રસ્કિનનો સર્વોદયનો સિદ્ધાંત તેઓએ વકીલ અને વાળંદનાં સમાન વ્યવસાય, ખરો શ્રમ ખેડૂતનો અને સર્વના ભલામાં મારુ ભલું જેવા ઉદાહરણો સાથે આ સિદ્ધાંત સમજાવ્યો હતો.
આ વાર્તાલાપ અંતર્ગત જન્મથી મૃત્યુ સુધીનું જીવન અને તેના વિવિધ પડાવો જેવા કે બાળપણ, જવાની અને વૃદ્ધત્વ વિશે ખુબ જ સુંદર જ્ઞાન આપેલ. આ પ્રસંગે સમગ્ર જીવન યાત્રા વિશે પ્રજ્ઞાચક્ષુ બાળકોની ટીમે ‘તાળી પાડો તો મારા રામની રે…’ ગીત રજુ કરી ઉપસ્થિત સૌ કોઈને અભિભૂત કર્યા હતા. આ પછી વક્તવ્યમાં આગળ વધતા મહાત્મા ગાંધી સાથે આફ્રિકામાં થયેલ અન્યાય પરિણામ શું મળ્યું છે ? આફ્રિકામાં ફેલાયેલા મરકી રોગના પીડિતોની સેવા દરમિયાન તેઓ રસ્કિનના પુસ્તકના પરિચયમાં આવ્યા અને તેનામાં સેવાનું બીજ રોપાયું જેનું ફળ આપણે સૌ મેળવી રહ્યા છીએ. તેવા સુંદર ઉદાહરણ દ્વારા જીવનમાં ઘટતી દરેક ઘટના પાછળ કોઈ ચોક્કસ હેતુ અવશ્ય હોય છે તેવો ઉપદેશ આપ્યો હતો. ત્યાર બાદ જીવનનાં વિવિધ માઈલસ્ટોન શ્રીમદ્ ભાગવત ગીતાનાં ઉપદેશ અનુસાર પ્રકૃતિનાં ગુણોનાં આધારે નિઃસ્વાર્થ કર્મો કરવા જ્ઞાન આપેલ. આવી જ રીતે જીવનનું અતિમ લક્ષ્ય, આત્મબળ વધારવા માટે શું કરવું?, જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ, સમગ્ર જીવન એક પત્તાના મહેલ જેવું હોય છે. જેને હવાનું એક છોકું પણ હચમચાવી શકે છે. માટે પત્તાના મહેલ રૂપી જીવનને મજબુત બનાવવા આંતરમનને મજબુત બનાવી યોગ્ય કર્મ વાળું જીવન જીવવું જોઈએ. તેમ સજાવ્યું હતું.
આ પ્રસંગે અંધ શાળાના માનદ્ મંત્રીશ્રી મહેશભાઈ પાઠક, ટ્રેઝરરશ્રી પંકજભાઈ ત્રિવેદી, આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયા, ટ્રસ્ટીશ્રી નીલાબેન સોનાણી, સંમિલિત શિક્ષણ યોજનાનાં વિશિષ્ટ શિક્ષકો, શાળાના શિક્ષકો અને બંને સંસ્થાના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


No comments:
Post a comment