Dhvani Mudran Kendra (Audio Recording Room)

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખા સંચાલિત
સ્વ. બકુલકુમાર બળવંતરાય સંઘવી
ધ્વનિમુદ્રણ કેન્દ્ર

કપોળ સમાજનું ગૌરવવંતુ કાર્ય...
પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સ્વ. બકુલકુમાર બળવંતરાય સંઘવીનાં સ્મરણાર્થે ભાવનગર ખાતે ધ્વનિમુદ્રણ કેન્દ્રનો પ્રારંભ કરાયો.

રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં સંયુક્ત ઉપક્રમે દ્વિ-દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમદિવસે તા ૩ માર્ચ, ૨૦૧૮ને  શનિવારના રોજ સાંજે ૭.૦૦ કલાકે પ્રજ્ઞાચક્ષુ બાળકોનો સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ  ‘નૃત્ય અને ગાયનો’ રજૂ કરી ઉપસ્થિત સૌ-કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે તારીખ ૪ માર્ચ, ૨૦૧૮ ને રવિવારના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખા સંચાલિત ‘સ્વ. બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિમુદ્રણ કેન્દ્ર’ની તખ્તીનું અનાવરણ શ્રી રક્ષાબેન હરકિશનભાઇ મહેતા-મુંબઈ, શ્રી દીપાબેન રવિચંદ્ર ગન્નેરી અને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ધ્વનિમુદ્રણ કેન્દ્રના પ્રથમ રેકોર્ડિંગ રૂપે શ્રી રક્ષાબેનને પોતાના સ્વરમાં ધ્વનિમુદ્રણ કેન્દ્ર- પોતાના પ્રારંભ થી  ભવિષ્યની અસીમ ક્ષિતિજો સુધી ઉત્તરોત્તર પ્રગતિ સાથે તેવી શુભેચ્છા સંસ્થા પરિવારને પાઠવી હતી. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પણ ઓવનની મદદથી વિવિધ વાનગીઓ બનાવી શકે તેવા ઉમદા હેતુસર  દાતાશ્રી રેખાબેન કિરણભાઈ મહેતા-મુંબઈના વરદ હસ્તે પોતાની સ્વર્ગીય પુત્રીશ્રી પૂજા કિરણભાઈ મહેતાનાં સ્મરણાર્થે અંધશાળા સંચાલિત ‘નિષ્ઠા હૉમ સાયન્સ સેન્ટર’ને ‘ઇલેક્ટ્રિકલ ઓવન’ અર્પણ કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કાર્યક્રમના ભાગરૂપે મુખ્ય ‘અર્પણ વિધિ સમારંભ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનિ જ્યોતિષા પરમારનાં સુમધુર કંઠમાં પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ‘ધ્વનિમુદ્રણ કેન્દ્ર અને ઇલેક્ટ્રિકલ ઓવન’ની અર્પણવિધિ સંસ્થાના સંચાલક શ્રી લાભુભાઈ સોનાણીએ કરાવી હતી. તેઓએ આ સાથે ધ્વનિમુદ્રણ કેન્દ્રમાં કરવામાં આવનાર વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ આ કેન્દ્રનો લાભ કઈ રીતે મેળવશેપ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને લાભદાયી બને તે માટે ભવિષ્યમાં એન્ડ્રોઈડ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવશે તેવી માહિતી તેમને પોતાના વક્તવ્યમાં આપી હતી. સંસ્થાના ટ્રસ્ટીશ્રી તેમજ નિષ્ઠા હૉમ સાયન્સ સેન્ટરના સંચાલિકા શ્રી નીલાબેન સોનાણીએ આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને હૉમ સાયન્સની ટ્રેનિંગ કઈ રીતે આપવામાં આવે છેતેઓની ક્ષમતાને વિકસાવવા કેવા પ્રયત્નો કરવામાં આવે છે તેવી રસપ્રદ અને સામાન્ય ગૃહિણીઓ માટે અતિમહત્વની માહિતીઓથી મહેમાનો અને ઉપસ્થિત સહુકોઈને અવગત કરાવ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય બાબત છે કે ગત માસ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ રાજ્યસ્તરની સ્પર્ધા  સ્વ. વિનોદાબેન કે. શાહ અખિલ ગુજરાત અંધ મહિલા વાનગી સ્પર્ધા-૨૦૧૮ માં સંસ્થાની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેની ટ્રોફી હૉમ સાયન્સ સેન્ટરનાં સંચાલિકા શ્રી નીલાબેન સોનાણીને દાતા પરિવાર વતી શ્રી રક્ષાબેન મહેતાએ અર્પણ કરી આ સિદ્ધિને બિરદાવી હતી.

સમગ્ર પ્રસંગના મુખ્ય દાતાશ્રી રક્ષાબેન હરકિશનભાઈ મહેતાએ પોતાના સંસ્મરણો  પ્રજ્ઞાચક્ષુ બાળકો  સમક્ષ વ્યકત કરતા જણાવ્યું હતું કે ‘તેઓ સૌપ્રથમ ઇન્ટરનેટનાં માધ્યમ યુ-ટ્યૂબ પર સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો વિડિઓ જોઈ પ્રભાવિત થયા હતા.  ત્યારથી જ તેઓ મનોમન નક્કી કર્યું હતું કે જ્યારે પણ ભાવનગર જવાનું થાય ત્યારે આ સંસ્થાની મુલાકાત અવશ્ય  લેવી. થોડો સમય બાદ જ આ રૂડો અવસર આવ્યો અને ભાવનગર એક લગ્નપ્રસંગે જવાનું થયું. લગ્ન પ્રસંગ બાદ તેઓ તેમના બહેન શ્રી દીપાબેન  અને અન્ય સબંધીઓ સાથે સંસ્થાની મુલાકાત ગોઠવી. સંસ્થા મુલાકાત દરમિયાન તેઓએ પ્રજ્ઞાચક્ષુ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓસંસ્થાનું અલભ્ય વાતાવરણ અને કેળવણીની પધ્ધતિ જોઈ  ખૂબ જ પ્રભાવિત થયા હતા. સમારોહ દરમિયાન તેમને પોતાના વક્તવ્યમાં પોતાના  સ્વર્ગસ્થ ભાઈશ્રી બકુલકુમાર બળવંતરાય સંઘવીના માયાળુ અને પ્રેમાળ વ્યક્તિત્વને યાદ કરીએ તેમના સંસ્મરણો, ભાવનગર સાથે જોડાયેલી તેમની લાગણીઓને યાદગાર બનાવવા માટે અનુદાન આપવાનું નક્કી કર્યું.  તેઓએ સંસ્થાની પૂર્વ મુલાકાત દરમિયાન  સંસ્થાના સંચાલકશ્રી લાભુભાઈ સોનાણી દ્વારા રજૂ કરવામાં આવેલ નવા પ્રોજેક્ટના પ્રસ્તાવને ધ્યાનમાં લઇ ધ્વનિમુદ્રણ કેન્દ્રને પોતાના મોટાભાઈનું નામ આપી તેમની યાદ હંમેશા પ્રજ્વલિત રાખવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત તેઓએ પોતાના ભાઈ બકુલકુમાર સંઘવીની અંતિમ ઇચ્છા પ્રમાણે તેની યાદમાં ભાવનગરની અગ્રણી સામાજીક સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખાની પ્રવૃત્તિઓ નિહાળી, આ અનુદાન યોગ્ય જગ્યાએ અપાયું છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર આયોજનમાં પ્રત્યેક ક્ષણે  હિંમત અને સહયોગ આપનાર પતિશ્રી હરકિશનભાઇ મહેતાનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે અન્ય દાતા શ્રી દીપાબેન ગન્નેરીએ સમારંભમાં પોતાના પ્રેરક ઉદ્ઘોષણમાં જણાવ્યું હતું કે તેઓએ આ વર્ષે પોતાનો જન્મદિવસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા બનાવેલ કેક કાપીને ઉજવ્યો છે. આ ક્ષણને તેઓએ પોતાના જીવનની એક યાદગાર અને અભિભૂત કરે તેવી ક્ષણ ગણાવી હતી. તેઓએ પોતાના વક્તવ્યમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક રીતે મદદરૂપ થવા આગામી દિવસોમાં પોતાના પરિવારમિત્રો અને અન્ય સંગઠનોને અપીલ કરી હતી. આ ઉપરાંત આગામી દિવસોમા તેઓ અને તેમના પરિવારના સભ્યો પ્રજ્ઞાચક્ષુ બાળકોને સ્પોન્સર કરતા રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

આ પ્રેરક પ્રસંગે દાતા પરિવારનાં સભ્યો,  શ્રી જીતુભાઈ સંઘવી સહીત ભાવનગર કપોળ સમાજના અગ્રણીઓસંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ,  કર્મચારીગણ તથા આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

No comments:

Post a Comment